આસામઃ પત્રકારને વીજળીના થાંભલે બાંધી ફટકાર્યો, જુગારીઓના રેકેટ પર કર્યું હતું રિપોર્ટિંગ
ગુવાહાટીઃ આસામના એક પત્રકાર (Assam Journalist thrashed)ને વીજળીના થાંભલે બાંધીને તેની સાથે મારઝૂડ કરવાની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ સમગ્ર મીડિયામાં હોબાળો મચી ગયો છે. આ ઘટનાના થોડાક ફુટેજ સામે આવ્યા હતા, જેમાં જોઈ શકાય છે કે આ પત્રકારને એક વીજળીના થાંભલાથી બાંધીને મારવામાં આવી રહ્યો છે.
ફુટેજમાં આસામના દૈનિક અખબાર પ્રતિદિનના પત્રકાર મિલન મહંતા છે, જે કરૂપ જિલ્લાના રહેવાસી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે તેમના હાથ થાંભલા સાથે બાંધેલા છે અને પાંચ વ્યક્તિ તેમની પર હુમલો કરી રહ્યા છે. મળતી જાણકારી મુજબ આ ઘટના રવિવારે મિર્ઝામાં બની હતી, જે ગુવાહાટીથી 40 કિલોમીટર પશ્ચિમમાં છે.
મિલન મહંતાને ગરદન, માથા અને કાન પર ઈજાઓ થઈ છે. તેઓએ પલાશ બારી પોલીસ સ્ટેશનમાં એક એફઆઇઆર નોંધાવી છે. તેઓએ પોતાની એઇઆઇઆરમાં જણાવ્યું છે કે તેમના પર હુમલો કરનારા જુગારીઓ હતા.