logo

શ્રીમદ્ રાજચંદ્રજીના દિવ્ય જીવનના વિવિધ પ્રસંગો દર્શાવતું મ્યુઝિયમનું નિર્માણ કરાશે

ગુજરાતી કવિ, જૈન ફિલોસોફર, સમાજ સુધારક અને મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીએ નડિયાદ ખાતે સુપ્રસિદ્ધ ગ્રંથ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના કરી હતી. 125 વર્ષ પહેલાં નડિયાદની પાવનભૂમિ પર માત્ર અઢી કલાકમાં જ એક જ સ્થળ પર બેસીને શ્રીમદ રાજચંદ્રજીએ આ દિવ્ય ગ્રંથનું સર્જન કર્યું હતું.
ગ્રંથ રચનાની સ્મૃતિના જતન માટે આ પવિત્ર સ્થળે શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા એક સુંદર અને ભવ્ય સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના વખતની મુદ્રામાં શ્રીમદ્ રાજચંદ્રજી અને શ્રી અંબાલાલભાઈની પ્રતિકૃતિઓની સ્થાપના કરવામાં આવી છે.

ખંડની અંદર ઊભો કરેલો સંધ્યાકાળનો માહોલ એવો ભાસ કરાવે છે, જાણે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અવતરણ હમણાં જ થઈ રહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રજીના મૂળ હસ્તાક્ષરરૂપે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રને ટંકોત્કીર્ણ કરતી તક્તીઓની હારમાળા અત્રેની સુંદરતા અને ભવ્યતામાં વૃદ્ધિ કરે છે. આ ઉપરાંત સુશાંત સરોવરની વચ્ચે સુંદર પવિત્ર જલ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની મધ્યમાં બિરાજે છે.

શ્રીમદ્ રાજચંદ્રજીની ભવ્ય પ્રતિમા. આ મંદીરમાં આવતા દર્શનાર્થીઓ આત્મસિદ્ધિ અને આત્મશાંતિનો અનુભવ કરે છે. વળી, આ જલમંદિર ફરતે ચાલવાનો રસ્તો પણ બનાવેલો છે. અહીંની ડિવાઈન શોપમાં શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર સંબંધી વિવિધ પ્રકાશનો તથા ઓડિયો-વીડિયો ઉપલબ્ધ છે. શ્રીમદ્ રાજચંદ્રજીના દિવ્ય જીવનના વિવિધ પ્રસંગો દર્શાવતા એક મ્યુઝિયમનું નિર્માણ ટૂંક સમયમાં થવાનું છે. આત્મસાક્ષાત્કારના સ્થળે સ્મારક મંદિર બનાવાયું જે વનક્ષેત્ર તરીકે ઓળખાય છે આ ઉપરાંત વર્ષ 1890 માં નડિયાદ નજીક આવેલા ઉત્તરસંડા ખાતે તળાવની નજીક આંબાના ઝાડ નીચે ધ્યાન ધરતા શ્રીમદ્ રાજચંદ્રજીને પ્રથમ વખત આત્મસાક્ષાત્કારનો અનુભવ થયો હતો. હાલમાં આ વૃક્ષ ત્યાં અસ્તિત્વમાં નથી, પરંતુ ઘટનાના સાક્ષીરૂપ એક સ્મારક મંદિર ત્યાં બનાવવામાં આવ્યું છે. જે વન ક્ષેત્ર તરીકે ઓળખાય છે.

0
0 views