logo

મુંબઈઃ મલાડમા ભીષણ આગમાં 100થી વધુ ગોડાઉન બળીને રાખ, ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની 30થી વધુ ગાડીઓ

મહારાષ્ટ્રના મુંબઈના મલાડમાં ભીષણ આગ ભડકી હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ આગની ઘટના ફર્નિચર માર્કેટમાં બની હતી. જેના કારણે 100થી વધુ ગોડાઉન બળીને રાખ થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી અને ફાયરબ્રિગેડની 30થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે ધસી આવી હતી.

વિસ્તારમાં અફરાતફરી મચી
આગની ઘટનાના અહેવાલ વાયુ વેગે ફેલાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસના જણાવ્યાનુસાર મલાડ ઈસ્ટના ખડગ પાડામાં આ ઘટના બની છે. પોલીસ હાલમાં જ્યાં આગ લાગી છે એ વિસ્તારની આજુબાજુની દુકાનો ખાલી કરાવવાનો પ્રયાસ કરી રહી છે જેથી નુકસાન ઓછું થાય. જોકે સાંકળી શેરીઓ હોવાને કારણે આગ ઓલવવા ભારે મથામણ કરવી પડી રહી છે.

અનેક ગોડાઉન આગની લપેટમાં
માહિતી અનુસાર કેમિકલ ફેક્ટરી, લાકડા, રબર અને કાપડના ગોડાઉનો આગની લપેટમાં આવી ગયા છે. જોકે સદભાગ્યે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પોલીસ અધિકારીએ કહ્યું કે આગ ઓલવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યા છે. આજુબાજુના ગોડાઉન ખાલી કરાવાઈ રહ્યા છે. આગ કેવી રીતે લાગી તે હજુ તપાસનો વિષય છે. જોકે હાલમાં આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પછી જ નુકસાની અંગેનો ચોક્કસ આંકડો સામે આવી શકશે.

10
3170 views