
ફોરણા ગામે ભૂમિ પૂજન અને સુપોષણ સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી
દિયોદર તાલુકાના ફોરણા ગામે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી દ્વારા ભૂમિ પૂજન અને સુપોષણ સંકલ્પ દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો. રાસાયણિક ખાતરના આડેધડ ઉપયોગથી ખેતીલાયક જમીનમાં પોષક તત્વોની ઉણપ વર્તાઈ રહી છે તેમજ જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. આવા સંજોગોમાં જમીનને ફરીથી જીવંત બનાવવી એ આજના સમયની તાતી જરૂરિયાત છે. માન. રાજ્યપાલશ્રી દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીની જે મુહિમ ચલાવવામાં આવી રહી છે તે અનુસંધાને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી દ્વારા ભૂમિ તેમજ ગાય માતાનું પૂજન અને સુપોષણ સંકલ્પ દિવસ ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કૃષિ મહાવિધાલય, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદ તેમજ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના જુદા જુદા વિભાગોના વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન ધરતી માતાનું, ખેતીના વિવિધ ઓજારો તેમજ ગાય માતાનું પૂજન કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત સૌએ જમીનની જાળવણી, પ્રાકૃતિક ખેતી, જળ સંરક્ષણ તેમજ ખેતરના શેઢા પાળા પર વૃક્ષો વાવેતર માટેનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પર વિસ્તૃત માર્ગદર્શન તજજ્ઞો દ્વારા આપવામાં આવેલ તેમજ તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં ગામના ખેડૂત ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા.