Patan | માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ ખડીયાસણ ગામના મૃતકના પરિવારજનોને કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ચાર લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ
આ સહાય મૃતકોના પરિવારજનો પ્રત્યે સરકારની સંવેદના અને સાંત્વના છે:-મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતસિદ્ધપુર તાલુકાના ખડીયાસણ ગામના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત નિપજતા કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર સ્વ. રોહિતજી પ્રવીણજી ઠાકોરના પરિવારજનને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાનો ચેક અર્પણ કરી મૃતકના પરિવારજનોને મંત્રીશ્રીએ સાંત્વના પાઠવી હતી.કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે ચેક અર્પણ કરતાં શ્રધ્ધાંજલિ આપી દુઃખની લાગણી વ્યક્ત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ દુર્ધટનાથી મુખ્યમંત્રીશ્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું એમ જણાવી બનાવ બન્યાના ટૂંક સમયમાં મૃતકોના પરિવારજનોને સહાયની રકમ મળે એ માટે સરકારે વ્યવસ્થા કરી પરિવારજનો પ્રત્યે સંવેદના દાખવી છે તેવું જણાવ્યું હતું. ગયેલા વ્યક્તિને પાછા લાવી શકાતા નથી પણ દુઃખમાં રાજ્ય સરકાર પરિવારજનો સાથે છે એમ જણાવી પરિવારજનોને કંઇપણ જરૂર પડે તો પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે મામલતદારશ્રી સિદ્ધપુર સહિતના અધિકારી અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.