logo

આણંદમાં 32 લાખનો રોડ મહિનામાં તૂટી જતા કોન્ટ્રાક્ટરને સ્વખર્ચે બનાવવા હુકમ

આણંદ : આણંદ મહાનગરપાલિકા દ્વારા વહેરાઈ માતા દરવાજાથી ચોપાટા સુધીના આરસીસી રોડની કામગીરીમાં ઇજારાદાર દ્વારા ગુણવત્તાયુક્ત તથા ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ કામગીરી થયેલી ન હોવાનું જણાતા આણંદ મહાનગરપાલિકા દ્વારા ઇજારાદાર કર્મા એજન્સી- અમરેલીને ક્ષતિયુક્ત ભાગને સ્વખર્ચે અને જોખમે તુટેલા ભાગને નવેસરથી બનાવવા નોટિસ આપી હતી.
આણંદના હાર્દ ગણાતા ચોપાટા અને વેરાઈ માતા વિસ્તારમાં આરસીસી રોડનું રૂા. ૩૨ લાખના ખર્ચે એક મહિના અગાઉ ઈજારાદાર કર્મા એજન્સી- અમરેલી દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રોડ બંધ કરી દેવાતા શાકમાર્કેટ પણ બીજે લઈ જવામાં આવ્યું હતું. જેથી આ વિસ્તારના હોલસેલ અને છૂટક દુકાનદારોને મહિનાથી ધંધો બંધ થઈ જતા આથક નુકસાન થવા પામ્યું હતું. આ અંગે મહાપાલિકામાં પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.

આરસીસી રોડનું કામ પૂરું થયા બાદ ફરીથી રોડ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે વરસાદના કારણે આખો રોડ ધોવાઈ જતા મોટા ખાડા પડી ગયા હતા. એક જ મહિનામાં રોડ બિસ્માર બનતા આરસીસી રોડમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. આ અંગે ઈજારાદાર કર્મા એજન્સી- અમરેલીને વહેરાઈ માતા દરવાજાથી ચોપાટા સુધીના ક્ષતિગ્રસ્ત આરસીસી રોડને સ્વખર્ચે નવેસરથી બનાવવા મનપાએ નોટિસ ફટકારી છે. ત્યારે ઈજારાદાર દ્વારા તૂટેલા ભાગને નવેસરથી બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે.

15
1317 views