logo

હવે રાજ ઠાકરેએ સરદાર પટેલનું કર્યુ અપમાન, લગાવ્યો આ મોટો આરોપ, મરાઠી વિવાદ પર બોલતા પટેલ, મોરારજી દેસાઈ અને તમામ ગુજરાતીઓને લીધા આડે હાથ

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના ચાલી રહેલા વિવાદને લઈને મનસેના નેતા રાજ ઠાકરેએ ફરી એકવાર ગુજરાત અને ગુજરાતીઓ પર નિશાન સાધ્યુ છે. રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના લોકો પર હિંદુત્વની આડમાં હિંદી ભાષા થોપવાનો આરોપ લગાવ્યો, આ સાથે તેમણે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભ ભાઈ પટેલ અને મોરારજી દેસાઈ પર મોટો આરોપ લગાવ્યો છે.

મહારાષ્ટ્રમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને હિંદી ભાષા વિષય તરીકે ફરજિયાત ભણાવવાનો વિવાદને છેલ્લા કેટલાય દિવસો રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. મનસેના નેતા અને UBT જૂથના શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે તેને મરાઠી અસ્મિતા સાથે જોડીને સરકારની સામે પડેલા છે. જો કે સરકારે પોતાનો નિર્ણય પરત લીધા બાદ પણ હજુ આ વિવાદ શમ્યો નથી અને એક બાદ એક ધમકીઓ અપાઈ રહી છે. આજે મનસે પ્રમુખ રાજ ઠાકરેએ ફરી મરાઠી ભાષાને લઈને ધમકી આપી છે.

મનસે પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યુ કે મહારાષ્ટ્રમાં કોઈને પણ હિંદી થોપવા નહીં દઈએ. હિંદુત્વની આડમાં મહારાષ્ટ્રમાં મરાઠીઓ પર હિંદી થોપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યુ છે. આ સાથે તેમણે ગુજરાતને લઈને પણ મોટુ નિવેદન આપ્યુ અને સમગ્ર ગુજરાતીઓને ટાર્ગેટ કર્યુ. રાજ ઠાકરેએ કહ્યુ કે “ગુજરાતવાળાઓની મુંબઈ પર ઘણા વર્ષોથી નજર છે. કેટલાક ગુજરાતી વેપારીઓ નેતાઓનો ભેદભાવનો પ્લાન બનાવી રહ્યા છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભેદભાવ લાવવાનો આયોજન થઈ રહ્યુ છે.

રાજ ઠાકરેએ સરદાર પટેલ અને મોરારજી દેસાઈનું નામ લઈ કર્યો આક્ષેપ
આટલેથી ન અટક્તા રાજ ઠાકરે એ અખંડ ભારતના શિલ્પી એવા અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભ ભાઈ પટેલને પણ ટાર્ગેટ કર્યા. રાજ ઠાકરે એ કહ્યુ કે સૌથી પહેલા વલ્લભ ભાઈ પટેલે કહ્યુ કે મુંબઈને મહારાષ્ટ્રમાં ન ભેળવશો. ઘણા વર્ષોથી આમની નજર મુંબઈ પર છે.” પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનું નામ ટાંકીને રાજ ઠાકરેએ આક્ષેપ કરતા કહ્યું કે, મોરારજી દેસાઈએ મરાઠી લોકો પર ગોળીઓ વરસાવી.. વર્ષોથી મરાઠી લોકોના મુંબઈ પર ગુજરાતની નજર છે.

“મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાનો ગુજરાતી વેપારી અને ગુજરાતી નેતાઓનો કારસો હતો. એક પુસ્તક વાંચતા સમયે હું ચોંકી ગયો કેમ કે એમા લખ્યુ હતુ કે મુંબઈ મહારાષ્ટ્રમાં ન જાય. તે અંગે પહેલુ નિવેદન કોણે આપ્યુ? વલ્લભ ભાઈ પટેલે આ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે મુંબઈ મહારાષ્ટ્રને ન આપો. એજ વલ્લભભાઈ પટેલ જેમને આજસુધી આપણે લોખંડી પુરુષ તરીકે માનતા આવ્યા છીએ અને દેશના પહેલા ગૃહમંત્રી જેમની સામે જેની સામે આજ સુધી આપણે આદરથી જોતા આવ્યા છીએ. તેમણે પણ પટેલનો વિરોધ કર્યો હતો.” રાજ ઠાકરે

રાજ ઠાકરે એ વધુમાં કહ્યુ 28 સપ્ટેમ્બર 2018 ના રોજ હિંમતનગરમાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ થયુ હતુ. જે બાદ બિહારીઓને ટાર્ગેટ કરાયા, બિહારના લોકો સાથે મારામારી થઈ અને આશરે 20 હજાર લોકોને ગુજરાતમાંથી બહાર મોકલી દેવાયા, બીજા રાજ્યમં લોકો મારશે, પીટશે ત્યાં જવા નહીં દે અને અહીંયા જો કોઈ દુકાનદારને લાફો પડે છે તો તે નેશનલ હેડલાઈન કેમ બની જાય છે. આ સવાલ પણ રાજ ઠાકરેએ કર્યો હતો.

સરદાર પટેલનું અપમાન અમે ક્યારેય સાંખી નહીં લઈએ- ભાજપ
આ સમગ્ર વિવાદ પર ભાજપના પ્રવક્તા ઋત્વીજ પટેલે જણાવ્યુ કે રાજ ઠાકરેને ઈતિહાસની સમજ જ નથી. તેમણે કહ્યુ મહારાષ્ટ્ર અને ગુજરાત એક જ રાજ્ય હતુ, વિદર્ભ રાજ્ય ગણાતુ હતુ. ત્યારબાદ 1960માં બંને અલગ થયા. આજે પણ ગુજરાતમાં મરાઠીઓ સારી રીતે રહે છે. જે વ્યક્તિ એકપણ વિધાનસભાની ચૂંટણી જીતી શક્યો નથી, એકપણ લોકસભાની બેઠક જીતી શક્યો નથી, કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતી શક્યો નથી. એ માત્ર તેના રાજનીતિક અસ્તિત્વને ટકાવી રાખવા માટે આ પ્રકારના બેજવાબદાર નિવેદનો કરી રહ્યા છે. રાજ ઠાકરેને ગંભીરતાથી લેવાની જરૂર નથી. જે રીતે તેમણે સરદાર વલ્લભ ભાઈ પટેલનું અપમાન કર્યુ છે તે અમે ક્યારેય નહીં સાંખી લઈએ અને જરૂર પડ્યે એને જે ભાષામાં જવાબ આપવો પડશે એ ભાષામાં જવાબ આપશુ.

21
290 views