અમદાવાદના સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાપ્રતિષ્ઠાન ખાતે કલાતીર્થ દ્વારા સંસ્કૃતિ સંવર્ધક સન્માન 2025 કલાતીર્થ સંશોધક સન્માન તથા ગ્રંથ વિમોચનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં માત્ર ભારતીયકલા અને સંસ્કૃતિ નું પરમાત્મા સાથેનું સીધું અનુસંધાન છે અને એટલે જ કલાસાધકોનું સન્માન એ જ સંસ્કૃતિનું સાચું જતન અને પરમાત્માની ભક્તિ સમાન છે.
સુરતની ભારતીય કલા–સંસ્કૃતિ અને વિવિધાના સંરક્ષણ, સંસ્કરણ અને સંવર્ધન માટે કાર્યરત કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના સ્વામીનારાયણ ગુરુકુળ વિદ્યાપ્રતિષ્ઠાન, છારોડી ખાતે યોજાયેલા એક બહુઆયામી વિશિષ્ટ કાર્યક્રમમાં જાણીતા પ.પૂ. ગુરુવર્ય સ્વામી માધવપ્રિયદાસજીએ પોતાના આશીર્વચન આપતાં આ મુજબના ઉદ્ ગારો વ્યક્ત કરી કલાતીર્થની પ્રવૃતિઓને આવકારી અને આવી ઉમદા પ્રવૃતિઓ માટે શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ્ ના દ્વારા હંમેશ માટે ખૂલ્લા હોવાનું જણાવ્યું હતું.
આ વિશિષ્ટ અને વિવિધ લક્ષી કાર્યક્રમમાં કલા ને સંસ્કૃતિ માટે સર્વગામી માતબર પ્રદાન કરનારા સંશોધકો અને કલાકર્મીઓનું સંસ્કૃતિ સંવર્ધક સન્માન–૨૦૨૫થી તથા કલા–સંસ્કૃતિ સંશોધન પ્રકલ્પ હેઠળ કલાતીર્થ દ્વારા આયોજિત રાજ્ય સ્તરીય સંશોધન લેખ સ્પર્ધાના વિજેતાઓને 'કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન સન્માન–૨૦૨૫'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે સમારોહના અધ્યક્ષ પદેથી ગુજરાત રાજ્યના પૂર્વમુખ્ય સચિવ અને સોમનથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણચંદ્ર લહેરીએ કલાતીર્થ અને તેના અધ્યક્ષ રમણીકભાઈ ઝાપડીયાની પ્રવૃતિઓને આવકાર આપતાં પોતે બે વર્ષ અગાઉ ભુજથી આરંભાયેલ આ સન્માન સમારોહના સાક્ષી હોવાનું જણાવી આ પ્રવૃતિમાં સામેલ સૌને ધન્યવાદ આપ્યા હતા. તેમણે રમણીકભાઈને એક વ્યક્તિ નહીં પણ એક જીવંત સંસ્થા સમાન ગણાવી સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ તથા આ વર્ષથી શરૂ કરવામાં આવેલ સંસ્કૃતિ સંશોધન પ્રકલ્પના આયોજનને પણ બિરદાવ્યું હતું.
આ અવસરે સમારોહનું ઉદઘાટન ગુજરાત રાજ્યના પૂર્વ માહિતી નિયામક વસંતભાઈ ગઢવી તથા ગુજરાત વિશ્વકોશના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર, કટારલેખક પદ્મશ્રી કુમારપાળ દેસાઈના હાથે કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં જાણીતા ઉદ્યોગપતિ દેવેન્દ્રભાઈ શાહ (લીલાધર પાસુ ફોરવર્ડર્સ, મુંબઈ) તથા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશભાઈ જહાના હાથે જાણીતા સાહિત્યકાર અને પ્રા.નિસર્ગ આહિર દ્વારા સંપાદિત અને કલાતીર્થ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા 'કલા અન્વેષણા' તથા 'અક્ષરયાત્રા ધન્ય ધરોહર' ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
સમારોહમાં દાતા પન્નાબહેન રસિકલાલ હેમાણી, દિલ્હી તથા ભગિની દક્ષાબહેન પિનાકીન લાલસોદાગર મુંબઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભના મુખ્ય મહેમાન તરીકે છેલભાઈ વ્યાસ, સંસ્કાર ભારતીના ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ જીતેન્દ્રભાઈ મોદી, મૌની ઈન્ટરનેશનલ સ્કુલ, સુરતના જે.બી. પટેલ તથા જ્યોતિ અમ્બ્રેલા, મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિ અરવિંદભાઈ ગડા ઉપસ્થિત રહ્યા હતા. તો ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને સંસ્કૃતિ પ્રેમી રાજપુરુષ બાબુભાઈ મેઘજી શાહ, વઢવાણ ફાઈન આર્ટ્સ કોલેજના પૂર્વ આચાર્ય ભુપેન્દ્રસિંહ રાણા, લોક કલાવિદ્ છેલભાઇ વ્યાસ પણ આ અવસરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
'સંસ્કૃતિ સંવર્ધક સન્માન–૨૦૨૫ એવોર્ડ મેળવનારાઓમાં પોરબંદરના સંશોધક, ઈતિહાસકાર અને પુરાતત્વવિદ્ નરોત્તમ પલાણના પુત્ર દર્શનભાઈ પલાણ, જાણીતા સાહિત્યકાર, લેખક અને સંસ્કૃતિ ચિંતક ડો. બળવંતરાય જાની, આદિવાસી લોકસંસ્કૃતિના સંશોધક ડો. ભગવાનદાસ પટેલ, બાઉલ સંગીતના મર્મી સંશોધક, કેવણીકાર ડો. સતીષચંદ્ર વ્યાસ, મંદિર સ્થાપત્યના નિષ્ણાત પુરાતત્વવિદ ડો. અનિતા કોરડે, સૌરાષ્ટ્રના જાણીતા ઈતિહાસ સંશોધક ડો. પ્રદ્યુમ્નકુમાર ખાચર, જુનાગઢ સંગ્રહાલયના કયૂરેટર ડો. શેફાલિકા અવસ્થી, ગુજરાતના જાણીતા ઈતિહાસકાર ડો. અરુણ વાઘેલા, ઈતિહાસ સંશોધક ડો.લક્ષ્મણભાઈ વાઢેળ તથા કચ્છના રોગાન કલાના માહિર કલાકાર પદ્મશ્રી અબ્દુલ ગફૂર ખત્રી, નો સમાવેશ થાય છે. દરેક એવોર્ડ વિજેતાને પ્રમાણપત્ર, સ્મૃતિ ભેટ તથા રૂા. ૧૧,૦૦૦/–નું રોકડ માનધન ઉપસ્થિત મહાનુભાવોના હાથે અર્પણ કરી સન્મમાન કરવામાં આવ્યું હતું. તો કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન સન્માન મેળવનારાઓમાં પ્રથમ ઋષિતા જોશી - જામનગર, દ્વિતિય સ્નેહલ ત્રિવેદી - ગઢડા, તૃતીય વિજેતા ચાર્વી ભટ્ટ - વિદ્યાનગર ને અનુક્રમે રુા ૨૫૦૦૦/- ૨૦,૦૦૦/- તથા ૧૫,૦૦૦/–ની રોકડ રાશિ, પ્રમાણપત્ર, સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ સ્પર્ધામાં જાગૃતિ ઠાકોર - ગાંધીનગર, વિધિ પટેલ - સુરત, હાર્દિક સોલંકી - ગાંધીનગર, ચેતના રબારી - ભુજ, મહેન્દ્ર પરમાર - વિરમગામ, હરિઓમ ગોહિલ - સુરેન્દ્રનગર, સોહીલ સુમરા - ભુજ, દિવ્યરાજસિંહ યાદવ - વિદ્યાનગર, માયા ઝાલા - સાણંદ, તથા ગીતા કુકડીયા - ગડઢા પ્રત્યેકને રૂા. ૫૦૦૦/–નું આશ્વાસન ઈનામ પણા માનપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.
કલાતીર્થના અધ્યક્ષ રમણીકભાઈ ઝાપડિયાએ નવી પેઢી ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાનું સંવર્ધન કરતી થાય, આ દિશામાં કાર્યરત બનીને સંશોધન ક્ષેત્રે આગળ આવે એ માટે આરંભાયેલા સમગ્ર આયોજનની વિગતો આપતા સહયોગી બનનારા સૌ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી આગામી દિવસોમાં ટ્રસ્ટ દ્વારા સંશોધકો માટે ખાસ સંશોધનની પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવા બે-ત્રણ દિવસની કાર્યશાળા યોજાવાની જાહેરાત કરી હતી.
આ અવસરે કુમારપાળભાઈ દેસાઈ, વસંતભાઈ ગઢવી, દેવેન્દ્રભાઈ શાહ વગરેએ પ્રાસંગિક પ્રવચન કરી કલાતીર્થની પ્રવૃતિને આવકાર આપીને સહયોગી બનવાની ખાત્રી આપી હતી.
કાર્યક્રમનું સંચાલન અશ્વિનભાઈ આણદાણીએ કર્યુ હતું જ્યારે સમગ્ર આયોજન અને કાર્યક્રમનું સંકલન સંયોજક પ્રા.નિસર્ગ આહીર, સહસંયોજક નરેશ અંતાણી, સંજય ઠાકર, કિશોર જોશી, જીગર પંડયા, વિનય પંડયા, કમલેશ ઠકકર, અનિલ શ્રીમાળી, નિયતિ અંતાણી, પ્રિયંકા જોશી અને પૂર્વી ઓઝાએ સંભાળ્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુળના ઋષિકુમારોએ વેદમંત્રની ઋચાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરાવ્યું હતું અને સમારંભના પૂર્ણાહુતિ પ્રસંગે વૈદીક રાષ્ટ્રગાન પ્રસ્તુત કર્યું હતું. સમારંભના આરંભે પહેલગામ આતંકી હુમલામાં, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં તથા તાજેતરમાં અવસાન પામેલા સાહિત્યકારો, સંશોધકો, કલાકારો અને લેખકોને અંજલિ આપી બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું.