
ઓવરલોડ વાહનો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
બાળ મજૂરી રોકવા અને મજૂરોના હક સુરક્ષિત કરવા મજૂર અધિકાર સંગઠન સક્રિય
ખેડબ્રહ્મા તા. 20 સપ્ટેમ્બર -2025
મજૂર અધિકાર સંગઠન છેલ્લા 10 વર્ષથી ખેત મજૂરોના હક અને અધિકારોના સંરક્ષણ માટે સતત કાર્યરત છે. સંગઠન દ્વારા જણાવી દેવાયું છે દેવાયું છે કે હાલ ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને હિંમતનગર તાલુકાના વિસ્તારોમાં પોશીના તથા કોટડા ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારોમાંથી હજારો મજૂરો જોખમી વાહનસવારી કરીને ખેડૂતોના ખેતરમાં મજૂરી કરવા જતા હોય છે.
અગાઉ પણ અનેક દુર્ઘટનાઓમાં ખેત મજૂરોના મોત નિપજ્યા છે. આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે તથા જીપ ડ્રાઈવરો દ્વારા બાળ મજૂરોને લઈ જવામાં આવતી પરિસ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા મજૂર અધિકાર સંગઠને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે આવેદન પત્ર આપ્યું છે.
સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે:
બાળ મજૂરી પર કડક રોક મૂકવામાં આવે અને ખેતમાલિકો તથા જીપ ડ્રાઇવરો સામે કાયદેસર કાર્યવાહી થાય.
ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવામાં આવે.
ઓવરલોડ વાહનો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
સંગઠનના જણાવ્યા મુજબ બાળ મજૂરીને કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે, તેથી સરકાર તથા પોલીસ તંત્રે કડક અમલવારી કરવી જરૂરી છે. ખેત મજૂરોના જીવન અને ભવિષ્યની રક્ષા માટે સંગઠન આગલા દિવસોમાં પણ સતત પ્રયત્નશીલ રહેશે. આવેદન પત્ર માટે સંગઠન પ્રમુખ ચંદુ ભાઈ, ધુડા ભાઈ, મગનભાઈ સાથેજ અન્ય સભ્ય સાથે રહ્યા હતા.