પાટણ જિલ્લામાં ઘાસચારા વિતરણની શરૂઆત : પશુપાલકોમાં હર્ષ
પાટણ જિલ્લા ના રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં આજે ઘાસચારા નું વિના મૂલ્યે વિતરણ કાર્ય શરુ કરવામાં આવ્યું છે. તાજેતરમાં આવેલા ભારે વરસાદને કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારા ની તંગી સર્જાઈ હતી. ખાસ કરીને ચરોતર વિસ્તારમાં ખેડૂતો તથા પશુપાલકોને ચારો મળવો મુશ્કેલ બન્યો હતો.સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવાયો હતો અને પાટણ જિલ્લાના ત્રણેય તાલુકાઓ માટે કુલ 500 ટ્રક ઘાસચારો ફાળવવામાં આવ્યો છે. આ વિતરણ કામગીરીની શરૂઆત આજે રાધનપુર ખાતે કરવામાં આવી હતી.રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની આગેવાનીમાં મામલતદાર, વન વિભાગના અધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકા પ્રમુખ અને તાલુકા સ્તરના અધિકારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌની હાજરીમાં લીલી ઝંડી બતાવી ટ્રકોને ગામડાઓ તરફ રવાના કરવામાં આવ્યા હતા.શરૂઆતના તબક્કામાં 50 ટ્રક ચારો તાલુકાના વિવિધ ગામોમાં પહોંચાડવામાં આવ્યો છે. બાકી ટ્રકો તબક્કાવાર રીતે ગામડાઓમાં મોકલવામાં આવશે જેથી કોઈ પશુપાલકને ચારા માટે મુશ્કેલી ન પડે.આ વિતરણથી પશુપાલકોમાં આનંદ છવાઈ ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે તાજેતરના વરસાદ બાદ ઘાસચારા માટે ભારે મુશ્કેલી ઉભી થઈ હતી, પરંતુ સરકારના આ પગલાંથી તેમના પશુઓ માટે તાત્કાલિક રાહત મળી છે.કુદરતી આફત સમયે કોઈપણ પશુપાલક એકલો ન પડે તે માટે રાજ્ય સરકારે તાત્કાલિક ઘાસચારા ફાળવવાનો નિર્ણય લીધો છે.”જિલ્લાના ત્રણેય તાલુકામાં આગામી દિવસોમાં ઘાસચારા વિતરણનું કાર્ય સતત ચાલુ રહેશે અને તમામ ગામડાઓ સુધી ચારો પહોંચાડવામાં આવશે તેવી માહિતી અધિકારીઓએ આપી હતી.