logo

ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, પાટણના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પત્રકારિતા દિવસ ઉજવાયો

ભ્રામક માહિતી વચ્ચે મીડિયાની વિશ્વસનીયતા વિષયક પરિસંવાદ યોજાયો

પત્રકારિતામાં વિશ્વસનીયતા સર્વોપરી છે: મુખ્ય વક્તા મુકુંદ પંડ્યા

સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવીએ મીડિયાની જવાબદારીઓને રેખાંકિત કરી વિગતવાર માર્ગદર્શન આપ્યું

ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, પાટણના સંયુક્ત ઉપક્રમે તા. 16 નવેમ્બરે રાષ્ટ્રીય પત્રકારિતા દિવસ (National Press Day) ની ઉજવણી પાટણ ખાતે કરવામાં આવી. આ અવસરે “વધતી ભ્રામક માહિતી વચ્ચે મીડિયાની વિશ્વસનીયતા” વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમની શરૂઆત સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવી, નાયબ માહિતી નિયામક શ્રી કુલદિપ પરમાર, વરિષ્ઠ પત્રકાર અને મુખ્ય વક્તા શ્રી મુકુંદ પંડ્યા તેમજ પત્રકારમિત્રોની હાજરીમાં દીપ પ્રગટાવી કરવામાં આવી.

જિલ્લા માહિતી કચેરી પાટણના નાયબ નિયામક શ્રી કુલદિપ પરમારે પત્રકારમિત્રોનું શાબ્દિક સ્વાગત કરી રાષ્ટ્રીય પત્રકારિતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવીએ લોકશાહીમાં મીડિયા ચોથા સ્તંભ તરીકે ભજવતી ભૂમિકા, બદલાતી પરિસ્થિતિ અને સંજોગોમાં મીડિયાની જવાબદારીઓને રેખાંકિત કરી વિગતવાર માર્ગદર્શન આપ્યું.

મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત વરિષ્ઠ પત્રકાર શ્રી મુકુંદ પંડ્યા, જેમને સાડા ચાર દાયકાનો અનુભવી પત્રકારિતાનો વારસો પ્રાપ્ત છે, તેમણે યુવા પત્રકારોને પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું કે—
“યુવા પત્રકારો માટે આગળ લાંબી મજલ છે. પત્રકારિતામાં વિશ્વસનીયતા સર્વોપરી છે. વિશ્વાસપૂર્વક સમાચાર ન અપાય તો સામાજિક સ્તરે તેની ગંભીર અસર પડે છે, જેમ તાજેતરમાં અભિનેતા ધર્મેન્દ્રના પ્રસંગે દેશે અનુભવ્યું. રાજકારણ, ક્રાઈમ, શેરબજાર અને ફિલ્મ જગત મીડિયામાં વિશાળ સ્થાન ધરાવે છે, પરંતુ પત્રકારોની ગૂડવિલ જાળવવાની જવાબદારી તેમની પોતાની છે. કોઈની ગુડ બુકમાં ન હોવા છતાં વિચલિત થયા વગર સમાજની અપેક્ષાઓ મુજબ કાર્ય કરવું એ પત્રકારની ફરજ છે.”

કાર્યક્રમનું સંચાલન માહિતી મદદનીશ શ્રી રિંકલ પરમારે કર્યું હતું, જ્યારે આભારવિધિ માહિતી મદદનીશ શ્રી જીગ્નેશ નાયકે કરી હતી.

આ પ્રસંગે સિનિયર સબ એડિટર શ્રી મિલિંદ ડાભી, માહિતી મદદનીશ શ્રી ઈશ્વરભાઈ ચૌધરી, વહીવટી અધિકારી શ્રી કૌશિક પરમાર, જિલ્લા માહિતી કચેરી પાટણ અને પાલનપુરનો સ્ટાફ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. તેમની સક્રિય ભાગીદારીથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.

0
3009 views