logo

વિશેષ ગ્રામસભા યોજાઈ, મનરેગા 125 દિવસ રોજગારી ગુરુ ગોવિદ સિંહ બલિદાન દિવસ યાદગાર બનાવા



માતાનામઢમાં વર્ષ 2025 અલવિદા નિમિત્તે વિશેષ ગ્રામસભાનું આયોજન
મનરેગા રોજગારી, સ્વચ્છતા, પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને જાહેર પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા

લખપત તાલુકાના માતાનામઢ ગામ ખાતે વર્ષ 2025ને અલવિદા કહેતા સમયગાળામાં માતાનામઢ ગ્રામ પંચાયત દ્વારા વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભા સરપંચ શ્રી કાસમભાઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ગ્રામજનો, પંચાયત સભ્યો તથા સરકારી પ્રતિનિધિઓની નોંધપાત્ર હાજરી રહી હતી.

ગ્રામસભામાં મુખ્યત્વે મનરેગા યોજનાને નવા નામ સાથે વિસ્તૃત કરી 125 દિવસની રોજગારી આપવાની બાબતે ચર્ચા કરવામાં આવી. આ યોજના અમલમાં આવવાથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીમાં વધારો થશે તેમજ ગરીબ, શ્રમિક અને દિવ્યાંગ લાભાર્થીઓને આર્થિક સહારો મળશે તેવી માહિતી આપવામાં આવી.

આ ઉપરાંત આવનારા દિવસોમાં 31 ડિસેમ્બર નાતાલ પર્વ તથા શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના બલિદાન દિવસની ઉજવણી અંગે આયોજન જાહેર કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળા બાળકો અને શિક્ષકો દ્વારા નાટક સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની તૈયારી દર્શાવવામાં આવી.

આવતા વર્ષના બજેટ અંગે ચર્ચા દરમ્યાન ગામના વિકાસ માટે રોડ–રસ્તા સુધારણા, જાહેર સ્થળોએ કચરા પેટીઓની વ્યવસ્થા તથા ઘરઘર ટ્રેક્ટર મારફતે કચરો ઉપાડવાની યોજના તૈયાર કરવાની સરપંચ શ્રી કાસમભાઈએ અપીલ કરી. માતાનામઢને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સરપંચ, તલાટી અને પંચાયત બોડી સાથે મળીને તબક્કાવાર સ્વચ્છતા અભિયાન આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેઓ લખપત તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ હોવાને કારણે અન્ય ગ્રામ પંચાયતોને પણ માર્ગદર્શન આપશે તેમ જણાવ્યું.

પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન ગ્રામજનોએ પાણી લાઈન લીકેજ, ગટર સમસ્યા, ખાટલા ભવાની રોડ પર પાણી અને કીચડ, તેમજ મંદિર પાછળ પંચાયત જમીન પર ગેરકાયદેસર રીતે બાંધેલી દુકાનો અંગે પ્રશ્નો ઉઠાવ્યા. સરપંચ દ્વારા પાણી અને ગટર સમસ્યાના તાત્કાલિક ઉકેલની ખાતરી આપવામાં આવી.

ન્યાય સમિતિના ચેરમેન રામજીભાઈએ લારી વાળાઓના ધંધાને અસર કરતી ગેરકાયદેસર દુકાનો અંગે ગંભીર રજૂઆત કરી અને નિયમ મુજબ વ્યવસ્થા કરવાની માંગ કરી.

દિવ્યાંગ સપોર્ટ સેન્ટરના પ્રમુખ દ્વારા ખુલ્લા મંચ પરથી મનરેગા અંતર્ગત દિવ્યાંગ રોજગારીની સ્પષ્ટતા, માતાનામઢ સેવા સખી મંડળની અંદાજે ચાર લાખ રૂપિયાની ફસાયેલ રકમ, બાલિકા સમૃદ્ધિ યોજનાની માહિતી, તેમજ GMDC રોડ ક્રોસિંગ, પ્રદૂષણ, કાટો માઇનિંગ નિયંત્રણ અને સ્થાનિકોને રોજગારી આપવાના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. આ તમામ બાબતો અંગે સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરાઈ હોવાનું અને ટૂંક સમયમાં નિકાલ કરવાની ખાતરી આપવામાં આવી.

ગ્રામજનોએ આગ્રહ કર્યો કે આવી ગ્રામસભામાં આરોગ્ય, પશુપાલન, પોલીસ, મહિલા અને બાળ વિકાસ, વન વિભાગ, આશા વર્કર સહિત તમામ વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહેવા જોઈએ, જ્યારે આ ગ્રામસભામાં માત્ર તલાટી શ્રી પ્રવીણદાન હાજર રહ્યા હતા.

આ ગ્રામસભામાં સભ્યો ઓસમાણ નોતિયાર, ઉપ સરપંચ પ્રતિનિધિ હિતેશભાઈ, રામજીભાઈ, દિલીપભાઈ, બાવા રજબછા, લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈબ્રાહીમભાઈ તેમજ ગ્રામજનો અનવર નોતિયાર, વસીમ નોતિયાર, કર્મસીભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર ગ્રામસભાએ ગામના સર્વાંગી વિકાસ, સ્વચ્છતા, સામાજિક ન્યાય અને પારદર્શક વહીવટનો મજબૂત સંદેશ આપ્યો હતો.

34
1164 views