logo

ઉનામાં ટેકાના ભાવે ₹96 કરોડની મગફળી ખરીદી: 6 હજાર ખેડૂતોની 3.50 લાખ ગુણ ખરીદી, ગોડાઉન ભરાતા મોરબી મોકલાઈ

ઉના પંથકમાં ટેકાના ભાવે મગફળીની રેકોર્ડબ્રેક ખરીદી થઈ છે. અત્યાર સુધીમાં 6 હજાર ખેડૂતો પાસેથી 3.50 લાખ ગુણ મગફળીની ખરીદી કરવામાં આવી છે, જેની કિંમત ₹96 કરોડથી વધુ છે. આટલા મોટા પાયે મગફળીની ખરીદી અગાઉ ક્યારેય થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

સરકારે નવેમ્બર મહિનાથી મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી હતી. જોકે, ટેકનિકલ ખામીને કારણે મગફળીની ખરીદી મોડી શરૂ થઈ હતી અને 14 નવેમ્બરથી નિયમિત ખરીદીનો પ્રારંભ થયો હતો.

હાલ 20થી વધુ કાંટા પર વહેલી સવારથી 100થી વધુ શ્રમિકો દ્વારા મગફળીના તોલ અને બોરી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ખરીદાયેલી મગફળી ગીર ગઢડાના ઉમેદપરા સ્થિત ગોડાઉનમાં રાખવામાં આવે છે. જોકે, 3.50 લાખથી વધુ ગુણીની ખરીદી થઈ જતાં ગોડાઉનમાં જગ્યા નથી. આથી, હાલ ખરીદાયેલી મગફળી મોરબી મોકલવામાં આવી રહી છે.

તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા દરરોજ 200થી વધુ ખેડૂતોને મેસેજ કરીને બોલાવવામાં આવે છે. હજુ પણ 2 હજારથી વધુ ખેડૂતોની મગફળી ખરીદવાની બાકી છે. આ ખરીદીનો આંકડો 100 કરોડને પાર થવાની સંભાવના છે. મગફળી ખરીદી પ્રક્રિયા આગામી 15 દિવસ સુધી ચાલુ રહેશે.


સંઘ દ્વારા ₹1.75 કરોડના સોયાબીનની પણ ખરીદી કરવામાં આવી છે, જેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ગીર ગઢડા રોડ પર ખરીદી કેન્દ્ર શરૂ હોવાથી મગફળીની ગુણીઓના થપ્પા જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદ બાદ પણ કરોડો રૂપિયાની મગફળી ખરીદવામાં આવી છે, જોકે વરસાદમાં પલળી ગયેલી કેટલીક મગફળી રિજેક્ટ પણ કરવામાં આવી છે.

0
10 views