logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

પોશીના તાલુકા – કોલંદ ગામ બાલવાડી(આંગણવાડી) નંબર-2 18 વર્ષથી ગુમ?

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના કોલંદ ગામની વસ્તી આશરે 700 જેટલી છે. ગામમાં ગમાર ફળિયું અને બુબડીયા ફળો આવેલાં છે. ગમાર ફળિયાના નાના બાળકો છેલ્લા ઘણા વર્ષોથી બાલવાડીની સુવિધાથી વંચિત છે – જે ગંભીર અને ચિંતાજનક બાબત છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કોલંદ ગામની બાલવાડી નંબર-2 વર્ષ 2008થી રેકોર્ડ ઉપર ચાલુ દર્શાવવામાં આવે છે, પરંતુ હકીકતમાં બાલવાડી ક્યાં કાર્યરત છે તેની કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. જો રેકોર્ડમાં બાલવાડી(આંગણવાડી) ચાલુ છે, તો પછી તે ક્યાં ચાલી રહી છે? કયા સ્થળે છે? કોના હવાલે છે? – આ પ્રશ્નોનો જવાબ આજદિન સુધી ગ્રામજનોને મળ્યો નથી.
ગામલોકોએ અનેક વખત લેખિત રજૂઆતો કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી. ઢગલાબંધ અરજીઓ છતાં કોઈ ફરક ન પડતા ગ્રામજનોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. ટ્રાયબલ વિસ્તાર હોવાને કારણે આ મુદ્દે બેદરકારી દાખવાઈ રહી છે કે કેમ – તેવો સવાલ પણ ઊભો થયો છે.

બાલવાડી માત્ર બાળકો માટે જ નહીં, પરંતુ ધાત્રી માતાઓ અને સગર્ભા બહેનો માટે પણ મહત્વપૂર્ણ કેન્દ્ર છે, જ્યાં પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટેની વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળવો જોઈએ. જો બાલવાડી વર્ષોથી કાર્યરત નથી, તો પછી:
બાળકોના વિકાસ માટે આવેલી ગ્રાન્ટો ક્યાં ગઈ?
પોષણ સહાય અને આરોગ્ય સેવાઓનો હિસાબ શું છે?
જવાબદાર અધિકારીઓએ આ બાબત પર ધ્યાન કેમ ન દોર્યું?
કોલંદ ગામના ગ્રામજનો સરકારશ્રી પાસે માંગ કરે છે કે બાલવાડી નંબર-2 અંગે તાત્કાલિક તપાસ કરી હકીકત જાહેર કરવામાં આવે અને જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવે.
જો ટૂંક સમયમાં સંતોષકારક જવાબ નહીં મળે, તો કોલંદ ગામના લોકો તાલુકા મથકે મોટી સંખ્યામાં ભેગા થઈ ધરણા-પ્રદર્શન કરવાની ફરજ પડશે.

રીપોર્ટ _દિનેશ ગમાર પોશીના

24
152 views

Comment