પાટણમાં ખાદ્ય અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી:
બિનલાઇસન્સ અને લેબલિંગ વગરનું ૪૯ કિલો ઘી સીઝ
પાટણ જિલ્લાના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે પાટણ શહેર તથા આસપાસના વિસ્તારમાં વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ચકાસણી દરમિયાન પાટણ રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટમાં પરિવહન માટે મુકાયેલ ઘીનો એક શંકાસ્પદ જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, જે પ્રાથમિક તપાસમાં નિયમો વિરુદ્ધ હોવાનું સામે આવ્યું છે.
ખાદ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમ્યાન ટ્રાન્સપોર્ટના માલિક પરેશભાઈ મોદી પાસેથી ઘી અંગે પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ ઘી અરબાઝખાન હનીફભાઈ શેખ દ્વારા ટ્રાન્સપોર્ટ માટે આપવામાં આવ્યું હતું. જો કે, ઘી અંગે કોઈપણ પ્રકારના માન્ય દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નહોતા, જેના કારણે અધિકારીઓને શંકા ગઈ હતી.
તપાસમાં જાણવા મળ્યું કે સ્થળ પરથી ૫ કિલોના ટીનના કુલ ૧૦ ડબ્બા મળ્યા હતા, જેમાં ભરાયેલ અંદાજે ૪૯ કિલો ઘી પર ફરજિયાત લેબલિંગ કરવામાં આવ્યું નહોતું. લેબલ પર દર્શાવવાની જરૂરી માહિતી જેમ કે ઉત્પાદકનું નામ, ઉત્પાદન તારીખ, એક્સપાયરી તારીખ, બેચ નંબર તેમજ FSSAI લાઇસન્સ નંબરનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, ઘીનું પરિવહન કરવા માટે જરૂરી બિલ અથવા ઇન્વોઇસ પણ રજૂ કરવામાં આવ્યા નહોતા.
વધુ તપાસમાં ખુલ્યું હતું કે સંકળાયેલા વ્યક્તિ પાસે ખાદ્ય વ્યવસાય ચલાવવા માટે ફરજિયાત FSSAI લાઇસન્સ પણ ઉપલબ્ધ નહોતું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રૂ. ૩૪,૩૦૦/- જેટલી અંદાજિત કિંમત ધરાવતા ૪૯ કિલો ઘીનો સમગ્ર જથ્થો જપ્ત (સીઝ) કરવામાં આવ્યો હતો.
વિભાગ દ્વારા સંબંધિત અરબાઝખાન હનીફભાઈ શેખ પાસેથી ઘીના નમૂનાઓ લઈ તેને સરકારી માન્ય લેબોરેટરી ખાતે ગુણવત્તા તપાસ માટે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીનો અહેવાલ પ્રાપ્ત થયા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ કાર્યવાહીના પગલે પાટણ જિલ્લામાં બિનકાયદેસર ખાદ્ય પદાર્થોના વેચાણ અને પરિવહન સામે ખાદ્ય વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થાય છે. ખાદ્ય વિભાગે તમામ ખાદ્ય વેપારીઓ, વિતરકો અને ટ્રાન્સપોર્ટરોને કડક ચેતવણી આપી છે કે તેઓ માત્ર માન્ય લાઇસન્સ, યોગ્ય લેબલિંગ અને જરૂરી દસ્તાવેજો સાથે જ ખાદ્ય પદાર્થોનો વ્યવસાય અને પરિવહન કરે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.