૨૦ વર્ષથી પક્ષને સમર્પિત પ્રહલાદ સોલંકીને ટિકિટ ન મળતા કાર્યકરોમાં રોષ, લાગવગથી ઉમેદવારી અપાયાનો આક્ષેપ
ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા લગભગ ૨૦ વર્ષથી સક્રિય રીતે કાર્યરત અને વાલ્મીકી સમાજમાંથી આવતા પ્રહલાદ સોલંકીને આ વખતે ટિકિટ ન મળતાં સ્થાનિક કાર્યકરો અને સમાજમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પક્ષના વફાદાર કાર્યકર તરીકે ઓળખાતા પ્રહલાદ સોલંકી જિલ્લા સ્તરે એસસી મોરચામાં મંત્રી તરીકે રહી ચૂક્યા છે. ઉપરાંત તેઓ વાગરા તાલુકામાં એસસી મોરચાના બે વખત પ્રભારી તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. અગાઉની ટર્મમાં તેઓ આમોદ જનરલ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.
માહિતી અનુસાર, પ્રહલાદ સોલંકીએ આટલા લાંબા સમયગાળા દરમિયાન ક્યારેય પક્ષ પાસે ટિકિટની માંગ કરી ન હતી. જોકે આ વખતે પોતાના વોર્ડની એસસી સીટ પરથી તેમણે પ્રથમ વખત ટિકિટની માંગણી કરી હતી. તેમ છતાં પક્ષના અમુક હોદ્દેદારો અને સ્થાનિક વિધાનસભા ધારાસભ્યના વલણને કારણે તેમની ટિકિટ કાપવામાં આવી હોવાના આક્ષેપો ઊભા થયા છે.
કાર્યકરોનું કહેવું છે કે પ્રહલાદ સોલંકીએ પક્ષ માટે સતત વફાદારીપૂર્વક કામ કર્યું હતું અને ચૂંટણી સમયે પોતાના સમાજની અંદર મતભેદો હોવા છતાં પક્ષના હિત માટે મોરચો સંભાળ્યો હતો. છતાં તેમની વર્ષોની મહેનત અને સમર્પણને યોગ્ય માન્યતા આપવામાં આવી નથી.
આક્ષેપ એ પણ કરવામાં આવી રહ્યો છે કે આ વખતે તેમના વોર્ડમાં એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે જેને રાજકારણનો કોઈ ખાસ અનુભવ નથી, જે ક્યારેય પક્ષના સક્રિય સભ્ય રહ્યા નથી અને જેમણે પક્ષ માટે નોંધપાત્ર કામ પણ કર્યું નથી. માત્ર લાગવગના આધાર પર ઉમેદવારી અપાઈ હોવાની ચર્ચાએ પક્ષની આંતરિક પ્રક્રિયા પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે.
સ્થાનિક સ્તરે હવે એવો સવાલ ઉઠી રહ્યો છે કે દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઓળખાતી સંસ્થામાં જો વફાદાર અને જૂના કાર્યકરોને અવગણીને અંદરખાને નિર્ણયો લેવાતા હોય, તો તે દુઃખદ બાબત ગણાય. આ મામલે નગરપાલિકાની રાજનીતિમાં ઊભી થયેલી નારાજગી માટે સ્થાનિક MLAને જવાબદાર ગણાવતા સ્વર પણ ઉઠી રહ્યા છે.
નોંધ: ઉપરોક્ત સમાચાર આપેલી માહિતી અને આક્ષેપોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે; સ્વતંત્ર સત્તાવાર પુષ્ટિ મળેલી નથી.