logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

૧૩.૬૩ કરોડના દંડથી રેત માફિયાઓમાં ફફડાટ છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેતખનન સામે કલેક્ટર ગાર્ગી જૈનનો કડક ચાબુખો

લાખો ટન રેતીના ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ, સ્ટોકયાર્ડ રદથી લઈને મશીનો સીઝ કરવાની કાર્યવાહી

છોટાઉદેપુર જિલ્લામાં કુદરતી સંસાધનોના ગેરકાયદેસર દોહન સામે જિલ્લા વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ અને ખાણ-ખનિજ વિભાગ દ્વારા હાથ ધરાયેલા વિશેષ અભિયાનમાં ગેરકાયદેસર રેતખનનનો મોટો પર્દાફાશ થયો છે. સમગ્ર જિલ્લામાં ચાલતા રેત માફિયાના જાળાને તોડવા માટે બે વિશેષ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં ₹૧૩.૬૩ કરોડથી વધુની દંડકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.



આ વિશેષ અભિયાનમાં પ્રાંત અધિકારી મુસ્કાન ડાગર, જિલ્લા પુરવઠા અધિકારી એન.એફ. વસાવા, નાયબ મામલતદાર રવિ પઢિયાર સહિતના અધિકારીઓએ સંયુક્ત રીતે કામગીરી કરી હતી. અભિયાન દરમિયાન લાખો ટન સાદી રેતીના ગેરકાયદેસર ખનન અને સંગ્રહનો ભંડાફોડ થતાં ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.



તા. ૦૮/૦૫/૨૦૨૬ના રોજ તેજગઢ વિસ્તારમાં પઠાણ ઇમરાનખાન અબ્દુલ મજીદ તથા રસિકભાઈ મોતીભાઈ રાઠવાના સ્ટોકયાર્ડની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બિનઅધિકૃત રીતે રેતીનો સંગ્રહ અને નિકાસ થયેલ હોવાનું સામે આવતા કુલ ₹૩૧ લાખથી વધુની દંડકીય વસૂલાત માટે નોટિસ ફટકારવામાં આવી હતી. સાથે જ બંને સ્ટોકયાર્ડના રજીસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.



આ ઉપરાંત તા. ૧૦/૦૫/૨૦૨૬ના રોજ સંખેડા તાલુકાના રતનપુર(ક) ગામ નજીક ઓરસંગ નદીપટ્ટ વિસ્તારમાં ગુપ્ત તપાસ હાથ ધરતા ગેરકાયદેસર રેતખનનમાં વપરાતી ૩ મશીનો સીઝ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે મંજૂર બ્લોક-ડી વિસ્તારની બહાર અંદાજે ૨૦ હેક્ટર સરકારી જમીનમાં ૩,૯૪,૧૦૫ મેટ્રિક ટનથી વધુ રેતીનું બિનઅધિકૃત ખનન કરવામાં આવ્યું હતું.



આ સમગ્ર મામલે અંદાજિત ₹૯.૪૫ કરોડનો દંડ અને ₹૩.૮૭ કરોડનું પર્યાવરણીય વળતર મળી કુલ ₹૧૩.૩૨ કરોડની વસૂલાત કરવાની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને ખાણ અને ખનીજ વિભાગને સંપૂર્ણ માપણી કરી વિગતવાર અહેવાલ રજૂ કરવા તેમજ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે.



કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર માટે પર્યાવરણનું સંરક્ષણ અને કુદરતી સંસાધનોની જાળવણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આગામી સમયમાં જિલ્લાની નદીઓને પુનર્જીવિત કરવા માટે પણ વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવશે. ગેરકાયદેસર રેતખનન સામે આવનારા સમયમાં પણ સઘન ચકાસણી અને કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.

32
142 views

Comment